વ્હેમ સાચો કે ખોટો
 'એ.. જી સાંભળો છો કે?' મમતાબેને રસોડામાંથી બુમ પાડી. 

દિનેશભાઈ છાપું વાંચવામાં મશગુલ હતા જેથી કોઈ જવાબ આપ્યો નહીં. થોડીવારમાં ફરી મમતાબેને ભારે સ્વરમાં બુમ પાડી. 'અરે કાનમાં રૂ નાંખીને બેઠા છો કે શું? કેમ જવાબ નથી આપતા.'

દિનેશભાઈ છાપાના પાનાં ફેરવતાં ધીમે સ્વરે બબડયાં “અરે ત્રીસ વરસથી સાંભળતો તો આવ્યો હજી કેટલું સાંભળવાનું હશે એતો ભગવાન જ જાણે." વિચારોને દબાવતાં, 'હા હા બોલને તું તારે; મારા કાન કાયમ તૈયાર જ હોય તારી વાતો સાંભળવા માટે.'

રસોડામાંથી બહાર આવતાં હાથ લૂછતાં લૂછતાં મમતાબેન બોલ્યા, “તમને ખબર છે?" વચ્ચે જ દિનેશભાઈ બોલ્યા: "ના, બધી તો તું જ ખબર રાખે તો મને ક્યાંથી ખબર હોય?" ‘અરે શું બધા માં જ મજાક કરે જાવ છો, સાંભળો કાલે રાત્રે જશુકાકાને હોસ્પિટલમાં લઈ ગયાં.' 

દિનેશભાઈ છાપું ટેબલ પર મુકતા, 'અરેરે કેમ અચાનક શું થયું?' એતો ખબર નથી પણ એકસો આઠ આવી એટલે મારી ઉંઘ ઉડી ગઈ, ત્યારે બારીમાંથી જોયું હતું. 

'સારું, સાંજે ખબર લઈ આવીશું.' કહીં દિનેશભાઈ ઉભા થયા. આશાબેન ચેહરા ઉપર દર્દનો ભાવ લાવતા બોલ્યા, 'બે દિવસથી રાત્રે નીચે કંપાઉન્ડમાં કૂતરું ખૂબ રડે છે, ને કાલે આમ અચાનક જશુકાકા ને હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે મને તો પૂરો વિશ્વાસ થઈ ગયો છે કંઈ ખરાબ ઘટના આપણા ફલેટમાં ઘટીને જ રહેશે. ભગવાન કરીને જશુકાકા બચી જાય તો સારું.'

કેડે હાથ મૂકી થોડા આશ્ચર્ય સાથે 'અરે, કૂતરાંના રડવા સાથે જસુકાકાની તબિયતને શું લાગે વળગે!' 

'જવા દો તમે સાયન્સ વાળા નહીં સમજો.' મમતાબેન થોડો છણકો કરતાં બોલ્યા. 

સાંજે હોસ્પિટલના દરવાજામાં મમતાબેન અને દિનેશભાઈ દાખલ થયા ત્યારે ખૂણામાં ઉભું એક કૂતરું જોરથી રડી રહ્યું હતું. મમતાબેનના મનમાં ફરી ધ્રાસ્કો પડ્યો. દિનેશભાઈ મમતાબેનના હાવભાવ બરાબર જોઈ રહ્યાં હતા. 

 મમતાબેન બોલે તે પહેલાં જ દિનેશભાઈ બોલ્યા, 'જો એ બિચારું એની વેદનાથી રડે છે મહેરબાની કરી જશુકાકા સાથે તારા પેલા કહેવાતા વિશ્વાસને ફરી જોડી ના દેતી.' પરંતુ મમતાબેન ને તો પૂરો વિશ્વાસ બેસી ગયો હતો એટલે દાદર ચડતાં ધીમેથી બોલ્યાં, 'નક્કી હવે જશુકાકા લાંબુ ના જીવે.' 

દિનેશભાઈ ચહેરા પર અણગમાના ભાવ લાવતા ગુસ્સાથી, “તું ચુપ રહેશે?? કોણ જાણે ક્યારે આવા ખોટા વ્હેમના નકામા વિશ્વાસમાંથી બહાર આવશે. તું ની સુધારવાની ચાલ હવે ચૂપચાપ.”

ને થયું પણ એવું જ કંઈક, રૂમ નંબર 102નો દરવાજો ખોલતાં જ મમતાબેનની આંખો ખૂલીની ખૂલી રહી ગઈ.


---પ્રીતિ ભટ્ટ..'પ્રીત' (નવસારી)