સોલંકી વીર વત્સરાજ: જીવનકથા

વીર વત્સરાજ - વિચ્છરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઇતિહાસ

પ્રસ્તાવના 

ગામડે ગામડે ને ટીબે ટીબે જયાં સંત, શુરવીર ને સતીઓના બેસણાં છે એવી ગુણિયલ આ ગુજરાતની ધરતી, આયાંતો ભાઈ ! એવા અવતારી સંતો-ભકતોને શૂરવીરોનાં મોંઘા મૂલાં રતન મોતીડાં પાકી ગયા છે કે એની નામના ને સુવાસ નવખંડ ધરતીને માથે પાકી ગયા છે કે એની નામના ન સુવાસ નવખંડ ધરતીને માથે આજે ય ફેલાતી રહી છે. જે ધરતીને માથે જનમ ધર્યો ને જે ધરતીને માથે માતૃભૂમિના રક્ષણ કાજે, કોક અબળાને કાજે, ધરમને કાજે, ગવતરીની રક્ષાને કાજે, કોક દુઃખિયારા પશુ-પંખી કે જીવ માતરને કાજે પોતાના લીલુડાં માથડાના બલિદાન દીધા છે કે જીવતા સમાધિ લઈને ધરમની ધજાયું બાંધી છે, ભૂખ્યા દુ:ખ્યાને આશરો દીધો છે એવા અલીમ'' અવતારી તેજસ્વી મહાપુરૂષોએ ચેતાવેલી સેવા, સાધના, તપ, ત્યાગ અને બલિદાનની જયોતુ ખાજ સેંકડો વરસના વાણાં વાયા પછી એ એવીને એવી ઝળહળતી અજવાળાં પાથરી રહી છે.
સૈકાઓ વિતી ગયા હોવા છતાં એની ચેતન સમાધિઓને માથે ધરમની ધજાયું ફડાકા મારે છે ને સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિમાં અટવાયેલા માનવ સમુદાયને શાતા આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનાં તમામ તત્વોની તો પૂજા કરવામાં આવે જ છે. જળ, સ્થળ, પત્થર, ડુંગર, વૃક્ષ, અગ્નિ, સૂર્ય, વાયુ ને આકાશ જેવા તત્વોની સાથોસાથ પોતાના લૌકિક દેવી-દેવતા, કૂળદેવી-કુળદેવતા, શુરાપુરા, ક્ષેત્રપાલ, જતિ, સતી, સંત, ભકત, ભૂતપ્રેત, મેલડી, ચૂડેલ ભૈરવ, શીતળા, મામાદેવ કે અન્ય લૌકિક દેવી-દેવતાઓની પૂજા-ભકિત અને આસ્થા પણ એટલી જ લોક જીવનમાંવ્યાપ્ત અને વિદ્યમાન છે.
આપણા વિશિષ્ટ અને વિરલ લોકધર્મનું આ અગત્યનું પાસું છે. નાત-જાત, સ્ત્રી-પુરૂષ, ઉંચા-નીચા, નાના-મોટા, ગરીબ--શ્રીમંત, રાય-રંકસૌ ભેદભાવ મટાડીને લોક સમુદાય આવા આસ્થા સ્થાનકોએ પોતાના દુઃખ દર્દ, યાતના, પીડા કે સંતાપ મટાડવાની વિનંતી કરવા અને કાર્ય સફળ થયે માનેલી માનતાઓ ચડાવવા આવ્યા જ કરે છે. એમાંયે સંત ગતિને પામેલા સિધ્ધ સંત-ભકતો અને વીરગતિને પામેલા નરવીરો કે સતીઓના સ્થાનકોએ નૈવૈધ, છેડાછેડી, બાળમોવાળા અને 'માનતા-નિવેદ'ની વિધિઓ પુરી કરવા અનેક કુટુંબો અતિ વિકટ ગણાતા ને ખુબ જ મુશ્કેલીથી પહોચી શકાય એવાંદુર્ગમ સ્થાનકો સુધી પોતાની જાતરાઓ માટે ને દર્શન માટે આવ્યા જ કરે છે. પેઢીઓ સુધી એટલે કે સૈકાઓ અને યુગો સુધી આવા સ્થાનકોના પવિત્રતા અખંડિત રૂપે જળવાતી આવી છે.

સોલંકી વીર વત્સરાજ : જીવનકથા
વીર વત્સરાજ - વાછરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઈતિહાસ

પ્રકરણ_૧


વાત છે બરોબર આજથી નવસો ને છેતાલીશ વરસ પહેલાની. મહેસાણા જિલ્લાના બહુચરાજી જેવા જગપ્રસિધ્ધ યાત્રાધામની નજીકમાં આવેલું રૂડું રળિયામણું પંખીના માળા જેવું કાલરી ગામ. જેના ગામધણી સોલંકી શાખના ગિરાસદાર રાજપુત હાથીજી બાપુ. સતજુગી અડાભીડ એવા વીર હાથીજી સોલંકી એટલે તપ, ત્યાગ, સેવા ને શૂરવીરતાની જીવતી જાગતી મૂર્તિ જોઈ લ્યો હો? જેના ભગવાન મુરલીધર શ્રીકૃષ્ણ ઉપર અતૂટ શ્રધ્ધા એવા પ્રજાવત્સલ જાગીરદારને આંગણે આવેલો કોઈ અભ્યાગત ખાલી હાથે પાછો
આખો ચુંવાળ એનો પડયો બોલ ઝીલે. ઘરમાં જગદંબાના અવતાર સમી રજપૂતાણી કેસરબા પણ પૂરાં ઘરમાં દોમદોમ સાહયબી છે. પચાસેક ગાયોના ધણનું ઝૂમખું. અસલ વઢીયારી મુંજી, પારેવ, પાંડેર, કાબેર ગાયુ ય ભાઈ કેવી?
હાંડેતું ડીલ, એકબીજીની આંટી ખવરાવે એવાં તાલકાં, પહોળી મથરાવટી, રૂપાળી ને હેતાળ ગાયુંને માથે ડાભોળિયું વાગે લોહીની શેડયું વછૂટે એવાં તો ડાંખળ હાડ છે, માથે મૂઠ મૂઠ જેવાં કાળાં સૂવાળા શીગડાની અણીયુંને માથે સિંદૂર ચોપડયો ડોકમાં કાંડા, મોરડા, સાચા મોતીનાં શણગાર શોભે છે, ટોકરિયું રણઝણે, શંખિયા, બંધોલાથી શોભતા બેય લાંબા કાના હિલોળા લેતા હોય, દૂઝણી ગાયુંની હેઠે હાંડા હાંડા જેટલું જારના ડુંડા જેવો પગની કાળી ખરિયુંને મરોડદાર મૂઠિયાં, અસલ મખમલી રૂવાડાંને રેશમી પૂછડાં ઉલાળતી ગાયનું ધણ ચુંવાળ પંથકમાં નીકળે જોનારાની આંખ્યું ચાર થઈ જાય. હરણાંની જેમ ઠેકડા મારીને થનગન થનગન નાચતા વાછરૂને જોઈને રજપૂતાણી કેસરબાના કાળજામાંથી છાનો નિસાસો નંખાઈ જાય. આટ આટલી સાહયબી પણ ઘરમાં શેર માટીની ખોટય દોરા-ધાગા, મંતર-જંતર, માદળિયાં, જડી-બુટ્ટીને દવા-ઓખદ, માનતાયું અરદાયું છે, પત્થર એટલા દેવ કર્યા, ચારધામને સાતપૂરીની જાતરાયું કરી,મેળા-મંડપમાં સાધુ-સંત-ફકીરની સેવા-ચાકરીયું કરી પણ વાંઝીયા મેણાં ભાંગવા ખોળાનો ખૂંદનાર હજી દર્શન નથી દેતો.
ગામ ધણી હાથીજી સોલંકી તો રાજ કાજના વહીવટમાં ને ધરમ ધ્યાનમાં સંતાન ઝંખનાને ભૂલવાની કોશીશ કરતા રહે પણ કેસરબાના છાના નિહાકાં એને અકળાવે છે. બાર બાર વરહ લગી ઉઘાડા પગે ગાયું ચા૨વાના નીમ લીધાં છે ઈ બાર વરસ પૂરા થય. મનમાંને મનમાં વિચાર કરે છે કે હવે શું કરું! કયાં જાઉં ? હવે તો કાળિયો ઠાકર કરે ઈ ખરૂં. હવે આયખું આંજરું થયું છે, હાલ્ય મનવા ગોકુળ મથુરાની છેલ્લી જાતરા કરી લઉને જયાં મારો મુરલીધર નટવર નાગર લીલા કરી ગયો છે ત્યાં જઈને મારું આયખું સંકેલી લઉં.
હાથીજીએ જાતરાએ જાવાની તૈયારી કરીને મનોમન સંકલ્પ કરી લીધો કે જમુનાજીના જળમાં સ્નાન કરવાને બહાને અંદર ઉતરીને આત્મત્યાગ કરી લઈશ. સહુને એમ થાશે કે અકસ્માત થયો ને ઠાકોર દેવથઈ ગયા.
ગોકુળ મથુરાની જાતરાએ જવા હાથીજીએ સંઘ તૈયાર કર્યો, ભેળા સાધુ-સંતો-ભગતો-ભજનિકોની મંડળી, ભજન-કીર્તનની છોળ્ય બોલાવતી આવે છે. કાંસી–જોડા, રામસાગર, મંજીરા ને ઢોલક, ચિપિયા-ઘુઘરા કરતાલ વગાડતો કૃષ્ણ કીર્તન કરતો સંઘ રસ્તામાં આવતા એકે એક મંદિરોમાં પૂજા-ચર્ચા અભિષેક કરતો કરતો ભાઈબીજને દિવસે યમુના મહારાણીના કાંઠે પહોચ્યો છે. સહુ ભકતો જમનાજીનું ચરણામૃત લઈ જય જયકાર કરતાં સ્નાન કરે છે તે હાથીજી સોલંકીએ તીર્થગોર પાસે આખરી સંકલ્પ કરાવ્યો. હાથમાં જમુનાજીનું જળ લઈને મનોમન નિરધાર કરી લીધો કે, " હે ર્મા ! યમુના આ ભવે તો મન વચન કરમથી કોઈનું બુરૂવાચ્છયું નથી ને તારે શરણે આવું છું. હે ર્મા! આવતા ભવે સાત પેઢીને તારનાર, રૌવ નરમાંથી ઉગારનાર વીર, દાતારને ભગત એવો દીકરો દે જે મા..! મારા વાંઝીયા મેણાં આ ભવે નહી તો આવતા ભવે ભાંગજે... આ ધરતીને
છેલ્લા નમસ્કાર કરી લઉમા? જય મુરલીધર.... આટલું મનોમન બોલીને હાથીજી સોલંકીએ જમુનાજીમાં કુદકો માર્યો. પણ જયાંપાવન જળનો સ્પર્શ થયો ત્યાંતો આંખો સામે કરોડો સૂરજ ઝળહળતા હોય એવો દિવ્ય પ્રકાશ દેખાણો. જમુનાજીના જળમાં ડૂબકી માર્યા ભેગાંજ શંખ-નગારા- ઝાલર- શીગીના નાદ સંભળાણા, જળમાં જ હાથીજીને મુરલી મનોહર કૃષ્ણ કનૈયા નટવર નાગર નંદલાલાના દર્શન થયા. બ્રહમ સાક્ષાત્કાર વેળા દિવ્ય વાંજિત્રોના નાદની સાથોસાથ આકાશવાણી સંભળાણી.
' હાથીજી ! બાપ ! આટલી બધી ઉતાવળ હોય ? તારે ત્યાંતો અવતારી પુરૂષનું પ્રાગટય થવાનું છે. પરમ તત્વનો અંશાવતાર પાપીઓનો સંહાર કરવા, અધર્મીઓનો વિનાશ કરવા ને સાધુજનો-ગામો- અબળા નારીઓને સંત-ભકતોનો ઉધાર કરવા તારે ત્યાં જનમ લેશે. કળજુગમાં લોકદેવ થઈને પૂજાશે. પણ ઈ પહેલાં તારે ત્યાં તારો વંશ વેલો ચાલુ રાખવા એક સંતાન થશે. બીજુ સંતાન તે અવતારી હશે. તે ગાયોની સેવા કરી છે એટલે એની તારા ઉપર કૃપા થઈ છે બીજા દીકરાનું નામ 'વત્સરાજ' એવું રાખજે. ઈતારી સાત પેઢી તારી દેશે.'
આકાશવાણી સાંભળતાંજ હાથીજીએ જીવનલીલા સંકેલી લેવાનું માંડી વાળ્યું ને વાજતે ગાજતે સંઘ સાથે પાછા પોતાના વતન કાલરી પહોચ્યા. આવીને પોતાના ઉપર થયેલી ઈશ્વરકૃપાની વાત કેસરબાને કહી સંભળાવી.
કેસરબાના વાંઝીયામેણાં ભાંગ્યા, નવ માસ થયાને હાથીજીને ત્યાં પ્રથમ સંતાન રૂપે પુત્ર જન્મ થયો. એનું નામ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બળરામના નામ ઉપરથી બળરાજ એવું પાડવામાંઆવ્યું.

(ક્રમશ)