સોલંકી વીર વત્સરાજ : જીવનકથા
વીર વત્સરાજ - વાછરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઈતિહાસ

પ્રકરણ_૪


ગવતરીની વહારે શહિદ થયેલ વીર વાછરો:
વત્સરાજે રૂદ્ર રૂપ ધારણ કર્યુ છે. લુંટારા ચેતી ગ્યા છે. હમણાં વાછરાની વહારે ૨જપુતોનું લશ્કર આવી પહોચશે હવે જીવ બચાવી ભાગવામાંજ માલ છેઃ પણ ભાગતાં ભાગતાં વત્સરાજની પાછળ આવીને એક લુંટારે તલવારનો ઘા કર્યો મસ્તક પડ્યુંને માથા વિનાના ધડે વીરભદ્ર જેવું ધીંગાણુંઆદર્યુ, એકલે હાથે અઢાર જણને વધેર્યો.
માથું આજે ગૌખરી બેટ તરીકે ઓળખાતી વાછરા બેટની પાસે આવેલ જગ્યાએ પડયું અને ધડ લડતું લડતું હાલની વાછરા બેટમાં આવેલ વત્સરાજ વીર વાછરાદાદાના સમાધિ જગ્યાએ આવીને પડયું. બચેલા લુંટારાઓ વેગડ ગાયને મૂકીને ભાગ્યા. રણની રેતીમાં પડેલા.
ઘોડીના પગલાના નિશાન ઉપરથી વાછરડાદાદાને શોધવા નીકળેલ સતી આઈ દેવલબાઈ અને નવવધુ સતી પૂનાદેની સાથે સોલંકી અને રાઠોડ શૂરવીરોની ફોજે વીર વત્સરાજનું કપાયેલું મસ્તક જોયું. સતી પૂનાબાએ પોતાના પાનેતરના છેડામાં બેય હાથે આ મસ્તક ઉપાડયુંને જયાં ધાયલ થયેલી ઘોડી અને વેગડ ગાયની વહારે ચડેલા ને શહીદ થયેલા વીર વંત્સરાજનું ધડ પડયું છે એ જગ્યાએ આવ્યા, સતી આઈ દેવલબાને સત ચડયું. એણે રણમાં પોતાના બે હાથે રેતીમાંવીરડો ગાળ્યોને વીર વત્સરાજના ધડ માથે જોડીને સજીવન કરવા અંજળી ભરી ત્યાં વીર વત્સરાજનું મસ્તક બોલી ઉઠયું:
'મા ! આઈ દેવલબા ! મારુંજીવનકાર્ય પુરૂં થયું. મારે કાયા અમર નથી ક૨વી. જનમો જનમ અવતાર લઈને ગવતરિયુંનું રક્ષણ કરવું છે. એની સેવા કરવી છે. મા ! મને રજા આપો. આ સંસારના દુઃખિયાનો વિસામો બની રહ્યુંને કાયમ આ થાનકે જાગતી જયોત રૂપે ગૌ સેવાની સરવાણી વહેતી રહે એવા આશીર્વાદ આપો મા... ' આટલાંવેણ સાંભળતાંઆઈ દેવલબાએ વીર વચ્છરાજની કાયા માથે આશીર્વાદની અંજળીનો છંટકાવ કર્યો. વીર શહીદ વચ્છરાજનો જય જયકાર બોલાયો, એના દેહને સમાધિ આપવાનો નિર્ણય થયો. સતી આઈ દેવલબા અને સતી પૂનાબા પણ વીર વચ્છરાજ પાછળ સમાધિ લેવા તૈયાર થયા. એવામાં છેક કાલરીથી પોતાના માનીતા રાજકુંવર વચ્છરાજની જાન માં ઢોલ વગાડવા આવેલ અને સમરાંગણમાં સિંધુડો બુંગીયો ઢોલ વગાડીને વીર વચ્છરાજને પાનો
ચડાવનાર ઢોલી હીરાએ આગળ આવીને વીર વચ્છરાજ તથા સતી પૂનાબા અને આઈ દેવલબાના ચરણમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા, એની સાથે જ ધીગાણામાં લુંટારાના સગડ બનાવનાર વચ્છરાજનો માનીતો કૂતરો મોતીયો અને રતન ઘોડી પણ વાછરાવીરના વિરહમાં શરીર છોડી સરગા પર ના મારગે વેતા થયા.
વીર વછરાજની આજુબાજુ સતી દેવલબાઈ અને સતી પૂનાબાની સતી થયાં અને તેમની ખાંભીઓ રચાઈ. સતી દેવલબાએ મોતીયા કુતરાને આશીર્વાદ આપ્યા કે આ સ્થાનક ઉપર હડકાયું કુતરૂં કરડેલ કોઈ પણ જીવ આવશે એનું ઝેર ચૂસાઈ જશે. એ પછી ગાયોનું ધણ ચાર નાર ભરવાડ પાંચા પચાણને માતા દેવલબાએ આજ્ઞા કરી :
'ગોકળી ! તુંકાયમ માટે અહીર હેજે. મારી આ વેગડ ગાયનો વેલો આગળ વધારજે. આમાં આવતા સંતો- સાધુ અને ભગતનો આદર સત્કાર કરજે. કળયુગ માંય તારા નામની જે દ્વારકાધીશના દેવળે બોલાશે.'

ખારા રણમાં મીઠી વીરડીના અમૃત જળ :

પોતાના હાથે રણની ખારી રેતીમાંવીરડો ગાળીને જે ગંગાજીનુંમીઠુંપાણી દેવલબાએ વહેતું કરેલું એ અમૃતજળ ચારે દિશામાં છાંટી દેવલબાએ અને સતી પૂનાબાએ ભેળા થયેલાં રાજપુતો અને લોક સમુદાયને આશીર્વાદ આપ્યા કે આ પાતાળ ગંગા કાયમ વહેતી રહેશે. આ અખંડ ઝરો ગાયોને તરસી નહીરાખે અને આ પાણીનું ચરણામૃત રોગીયાના રોગ અને દુઃખીયાના દુઃખ દૂર કરશે. સતી પૂનાબાએ ચોધાર આંસુડે ૨ડતી પોતાની સખીઓને ઉદેશીને કહયું:
‘ઢોલ બજંતા હે સખી! પતિ આયો મુજ લેણ, બાગાઢોલાં મેં ચલી, પતિ કો બદલો દેણ સાજણ એડા કીજિયે, સારસ જેડા હોય, એકલડા જીવે નહી, સાથ મરંતા દોય.

વાછરા બેટનું સ્થાનક અને લોક પ્રચલિત દંતકથાઓ.

   આમ નવસોને સિતરે વરસ પહેલાં બનેલી આ ઘટના એ પછી તો આ ચાનક ઉપ૨ વોછડા દાદાનું સ્થાનક બંધાયું અને ગાયોનો વંશવેલો વધતો રહ્યો, અનેક સાધુ પુરૂષોએ આ વિકટ-વંકી જગ્યા પર પોતાની સાધના તપશ્ચર્યા કરી અને લોક હૃદયમાં એક લોક દેવતા તરીકે વાછરાદાદાએ જીવંત સ્થાન પ્રાપ્ત કર્યું,
વીર વાછરા દાદા વિશે અનેક લોક કવિઓએ દૂહા-છંદ– કવિત – રાસડા– ભજનોની રચના કરી અને કચ્છ- સૌરાષ્ટ્ર - ગુજરાતના ગામડે ગામડે એના પેઢ-પેઢલા - થડા – મંદિરો થવા લાગ્યાં,
"શ્રી વીર વચ્છરાજ સોલંકી ' નામની પરિચય પુસ્તિકામાં ઈ.સ. ૧૯૯૧માં તત્કાલીન મહંત શ્રીમદ સદાનંદ સ્વામીએ લોકોમાં પ્રચલિત દંતકથાઓ એકઠી કરીને લખ્યું છે:
સેંકડો વર્ષોથી આ સ્થાનક ઉપર દર વર્ષે મેળો ભરાય છે. સોલંકી અને રાઠોડ શાખાના રાજપુતો પોતાના ઘરે વિવાહનો પ્રસંગ આવે ત્યારે લગ્નની પ્રથમ કંકોત્રી વાછરા દાદાના સ્થાનકે ધરાવે છે. સોલંકી પરીવારની પરિણિત સ્ત્રીઓ વાછરા દાદાની ખાંભીની લાજ કાઢે છે. અને નવ દંપતિ વરઘોડીયાઆ સ્થાનકના દર્શન કરીને જ વિવાહ જીવનનો પ્રારંભ કરે છે.
વેગડ ગાયનો વંશવેલો એ જગ્યા પર આજેય છે. આ જગ્યા આકાશવૃતિથી ચાલે છે આ ગાયો માટે ગામે ગામથી લોકો ટ્રેકટર અને ખટારા ભરીને ઘાસ નાંખી જાય છે. જયારે ભારત સ્વતંત્ર ન હતું અને નવાબ સાહેબની આ જગ્યાએ હદ હતી, ત્યારે નવાબ સાહેબે આ જગ્યાની ગાયોને ચરવા માટે આ બેટ આપી દીધો હતો. ત્યારથી આ બેટનું નામ વચ્છરાજ બેટ પડયું છે.
રણમાં બધે જ ખારું પાણી છે. આ જગ્યાએ મીઠા પાણીની સરવાણી આજેય ચાલુ છે. આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી અને કોઈ ભાવીકો ભૂલથી પહેલાં લઈ ગયા હશે તેના પથરાનું રૂપ થઈ ગયેછે. તે પરચો પથ્થરના લાડવા આજે પણ ત્યાં છે.'

વાણીયાને વીડમાં, સમયે કીધી સહાય, કળી કાળની માંય, વ્હારે ચડયો તું વાછરા...
'સવંત ૧૬૪૩ની અા ઘટના છે. એ સમયમાં જયપુરથી ધર્મદાસ નામના એક વણિકે શેત્રુંજય યાત્રાએ જવાનો પગપાળા સંઘ કાઢયો હતો. આ સંઘ ચાલતો ચાલતો રણમાં પહોંચ્યો અને તે સમયે પગપાળા સીધા રસ્તાઓ આ રણમાંથી પસાર થતા હતા. તેમનો સંઘ બરાબર રણની વચ્ચે પહોંચે છે. અને માર્ગ ભૂલી જાય છે. સાથે રણનો રસ્તાના ભોમિયા લીધા છે. છતાંયે માર્ગ ભૂલી ગયા. સાત સાત દિવસ સુધી રણમાં ભટકતા ફર્યા પણ માર્ગ જડે નહીં, સીધુ સામાન અને પાણીનો પુરવઠો પણ ખુટવા આવ્યો. વાણીયાઓ ચિંતામાં પડી ગયા હવે શું કરવું? તેમાં તેમની સાથે લીધેલ ભોમીયામાંથી એક ભોમીયાએ શેઠને કહયું કે શેઠજી હવે તો દાદાને વિનંતી કરો તો જ પાર ઉતરીશું. શેઠ આ ભોમીયાની વાત માનીને દાદાને વિનંતી કરે છે. હે દાદા આજે અમારા સંધને માર્ગ બતાવશો તો તમારા સ્થાને આવી સવા અગીયાર મણના લાડુ ચડાવીશ. આમ વિનંતી કરતાની સાથે દુરથી ધૂળની ડમરીઓ ઉડાડતો એક ઘોડેશ્વાર આવે છે અને સંઘને પૂછે છે, તમે રણમાંભૂલા પડયા લાગો છો, ચાલો મારી સાથે હું રણનો ભોમિયો છુંહમણાંજ તમને માર્ગે ચડાવી દઉં આખો સંઘ એ ઘોડેશ્વાર પાછળ જાય છે, થોડા સમ્પ માંદુર ઝાડી દેખાય છે. તે બતાવીને ઘોડેશ્વાર પાછો વળી જાય છે. થોડા સમય માં સંધ દાદાના થાનક પર પહોચી જાય છે. આખો સંપ રાજી રાજી થઈ જાય છે. અને દાદાની જગ્યામાં રાત રોકાય છે. સવારે શેઠ માનતા મુજબ સાડા અગીયાર મણના લાડુ ચડાવે છે. દાદાને પ્રસાદ ધરાવે છે. પછી બધા ભોજન કરે છે. ભોજન કર્યા બાદ અર્ધા ઉપરાંતના લાડુ વધે છે. વાણીયો વિચાર કરે છે કે આટલા બધા લાડુ આપણે અહી કયાં મુકીશું. ચાલો સાથે લઈ જઈએ રસ્તામાં કામ આવશે. ભોમીયો કહે છે. શેઠજી અહી ધરાવેલો પ્રસાદ દાદાની હદની બહાર લઈ જઈ શકાતો નથી. શેઠજી કહે છે કયાંઘરે લઈ જવો છે. રસ્તામાં ખાઈ જાશું. આમ કહી સૌ લાડુના કરંડીયા ભરી ચાલી નિકળ્યા અને જયાં દાદાની હદની બહાર પહોંચ્યા કે તુરત લાડુના કરંડીયા વજનદાર થઈ ગયા. શેઠ કરંડીયામાં જઈને જુએ તો બધા લાડુના પથ્થર થઈ ગયા ત્યાર બાદ આ લાડુ પાછા દાદાની જગ્યામાં લાવે છે. ફરીથી દાદાને પ્રસાદ ધરાવે છે. અને દાદાની માફી માંગે છે ત્યાર બાદ આ શેઠ જયપુરમાં જઈને દાદાનું મંદિર બનાવે છે. આજે પણ આ શેઠનું બનાવેલું વાછડાદાદાનું સ્થાનક જયપુર માં અને તેમના વંશજો આજે દીલ્હીમાં રહે છે. ત્યાં દીલ્હીમાં પણ આ વાણીયાના વંશજોએ વાછડાદાદાનું રસનું સુંદર મંદિર બનાવ્યું છે.
 આ રણમાં વાછડાદાદાની જગ્યાએ આવવા માટે જો પાંચ છ કે વધારે માણસો હોય તો સ્પેશ્યલ વાહન બાંધીને આવવું વધારે સુલભ પડી રહેશે. અને એકાદ બે જણ હોય તો તેઓએ બીજા કોઈ રસ્તે જવા કરતાં ઝીઝુવાડા થઈને આવવુંજ વધારે અનુકુળ રહેશે.
ઘણાં માણસો દાદાની જગ્યાએ ચાલીને પગપાળા આવે છે. તેમને વિનંતી છે કે જો તમો દશ બાર માણસોની ટોળી હોય તો જ પગપાળા આવવાનું સાહસ કરજો, કારણ કે ૨ણનો રસ્તો ઘણો વિકટ છે. અહીંયા ભોમિયા પણ ઘણી વખત ભૂલા પડી જાય છે. એકલ દોકલ જાત્રાળુંધણી વખત મુશ્કેલીમાં પડી જાય છે. અને કષ્ટ દાદાને થાય છે. માટે એવી માનતાવાળાઓ દાદાના બેટ પર વાહનોમાં આવી દાદાનાં બેટને ચારે કોર આશરે ૭ કી. મી. પ્રદક્ષિણા કરશે. તો દાદા ચાલીને આવ્યાની માનતા માની લે છે. અને તે વધુ અનુકૂળ રહેશે. દાદાના બેટની આ પાવન અને પવિત્ર ભૂમિ જોવાનો અને તેના પર ચાલવા આનંદ પણ કંઈક જુદો જ હોય છે જે બેટની ભૂમિ પર સતી દેવલબાઈની વેંગણ ગાયનો વંશ આજ સુધી ચરે છે. તેના છાણમુત્ર એ ભૂમિમાં પડયા છે. જે ભૂમિની રજ પણ આપણાં શરીર પર ઉડીને પડે તો આ શરીર પવિત્ર થઈ જાય છે. માટે વાછડાદાદાની યાત્રાએ આવતા જાત્રાળુઓ અવશ્ય આ બેટની પ્રદક્ષિણા તો કરે છે કારણ કે દાદાને દર્શને આટલું કષ્ટ વેઠીને આટલે દૂરથી આવ્યા પછી થોડું કષ્ટ વધારે સહીને પણ દાદાના બેટની પ્રદક્ષિણા કરી આ માનવદેહને પાવન કરી લેવો જોઈએ.
આ દાદાની પ્રદક્ષિણા કરતાં કરતા ઘણા ભાવિકોને દાદા કોઈને કોઈ વરૂપે દર્શન આપે છે. તો આવો કોઈ અનુભવ કોઈ જાત્રાળુને થાય તો ભૂલ્યા વગર આ વિગત જગ્યાના મહેતાજીને લખાવી દેવા વિનંતી છે.
દાદાની બેટની પ્રદક્ષિણાનો સમય સવારે પાંચ થી છના ગાળાનો વધારે અનુકુળ રહેશે. કારણ કે આ ગાળામાં પ્રદક્ષિણા શરૂ કરીએ તો નવ દશ વાગ્યે ઠંડા 
પોરે પાછુ જગ્યામાં આવી જઈ શકાય છે. જેથી ગરમી ઓછી લાગે છે અને ઝડપથી આવી જવાય છે. પ્રદક્ષિણાના સમયે સાથે હળવો નાસ્તો અને પાણી લેવું જરૂરી છે. પ્રદીસણા પૂરી થયા બાદ સીધા જ દાદાના સ્થાનક પર જઈ પોતાની જે મનોકામના હોય તે માટે દાદા સમક્ષ સંક૯૫ કરવો. દાદાની કૃપાથી અવશ્ય તમારી શુભ મનોકામનાઓ પૂરી થશે
જેના શિશ પડે તોય જો ધડ લડે શુરો સોલંકી ચારણીની ગાય વાળી લાવે લોલાડાનો ભાણ પૂજ ભાણીયો કુંવરે પરણે હાકલ સુણી ચોરીએ ફેરા ફરેને સાંભળે સુર્ય ઉપાસી અધુરે મંગળ રણે ચડે
ગાયો યવનોની આરપાર માર્યા અઢાર લઈ વિઝેડી પરત ફરત શિશ કપાય લડે ભડ ભાણીયો ધડે ધડા ધડ ઝાટકાય ખપીયો વચ્છરાજ પોણા દે સરોવર પૂજાય ઉભરી રણ મધ્યે મીઠી વાવડી જગા વાછડા વાછડા સોલંકી વારતા આ હડકવા ઝેર ઉતાર આવે અવનીના વધામણા જય જય વછરાજ પાળ્યુ ગૌસેવાનું વચન તે ધન્ય ધન્ય વચ્છરાજ
ગંગાજળના પાન કરીને પોઢી ગયો વચ્છરાજ ,
જાતરે આવે લોક ઝાઝેરા,
દેવ થઈ પૂજાય,
વાછડાદાદા ચાર દિશાએ,
નિવેદ તારા થાય.
આજે પણ સૌરાષ્ટ્ર-ગુજરાત પ્રદેશમાં રાવણહથ્થા વાળા ભરથરી નાથ બાવાઓ કાલરીના વીર વત્સરાજની ભવ્ય બલિદાનગાથા વર્ણવતા રાસડા અને દુહાઓ ગાય છે.