સોલંકી વીર વત્સરાજ : જીવનકથા
વીર વત્સરાજ - વાછરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઈતિહાસ

પ્રકરણ_૩


વઢિયાર પંથકમાં લોલાડાનો વહીવટ સંભાળ્યો :
વચ્છરાજ સોલંકી મનમાં વિચાર કરે છે, કુદરતની લીલા અકળ છે, વઢિયાર પંથકની ગાયોના રક્ષણ માટે જ મારું જીવતર સજાર્યુ છેપોતાની વહાલી પાંચ-સાત ગાયોને લઈને વચ્છરાજ એમના મામા સામંતસંગ રાઠોડની સાથે વઢિયાર પંથકના લોલાડા ગામે આવી પહોંચ્યા. મામાના કારભાર અને રાજ વહીવટમાં મદદગાર થવાની સાથે વચ્છરાજે પોતાનું ગૌ સેવાનું વ્રત અખંડ રીતે જાળવી રાખ્યું છે. આજુબાજુના વિસ્તારમાં એની શૂરવીરતાની એવી હાક બોલે છે કે સિંધના ધાડપાડુઓ લોલાડાની સીમ તરફ નજર પણ માંડી શકતા નથી. આખા વઢિયાર પંથકમાં સેવાભાવી ને પ૨કમી ગૌ ભકત રાજકુંવર તરીકે જેની ખ્યાતિ પ્રસરી છે એવા વીર વત્સરાજનું વેવિશાળ મામા સામંતસંગ રાઠોડે પોતાના નજીકના સંબધી ભાયાત એવા કુંવર ગામના જાગીરદાર વજેસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે કર્યું.

સતી પૂનાદે સાથે વેવિશાળ અને વિવાહ : 

     ચૂંવાળ પંથકના ચારસો પાદરના ધણી સોલંકી બળરાજનો નાનોભાઈ ને
લોલાડા વઢિયારના યુવરાજ કુંવર વત્સરાજ સોલંકીના વિવાહની તૈયારી શરૂ થઈ. આખું લોલાડા ગામ શણગાર્યું છે, ડેલીએ ડેલીએ દીવા પેટાવ્યા છે તોરણ બાંધ્યા છે, માંડવા રોપ્યા છે, સાથિયા પૂરાણા છે. જાડેરી જાન તૈયાર થઈ. વરલાડો પોતાની પ્રિય એવી રતન ઘોડીને માથે સવાર થયો છે. માથા ઉપર સોનેરી પાઘ, જરિયન જામો, અંગરખું, સોનાના તાર વાળો રેટો કેડે બાંધ્યો છે, હાથીની સૂંઢ જેવા બાવડાં, ચોળાની ફળિયું જેવી આંગળિયુંને માથે હીરાજડિત વેઢ ને વીટીયું ઝગારા મારે છે, બાંયે બાજુ બંધ બેરખાને સોનાના કડાં, કેડે કંદોરો, ગળામાં સાચા મોતીના ગંઠા ને સાત શેરનો હાર, ઢાલવા છાતી, સાવજ જેવી કેડ, દીવાની શગ જેવુંનાક, દાડમની કળિયું દેખા દાંત, કાયામાં જુવાની gdl રમે છે, અજવાળી આઠમના ચાંદા જેવું અડધે માથે કપાળ ને કપાળની માથે કંકુ કેસરનો ચાંદલો, જોબનના લાલ ચટકા ઉપડેલ કેરીની ફાડય જેવી હિંગળોક આંખડીયું, ભેટમાં જમૈયો, હાથમાં શિહોરી તલવાર ને મોતીડે મઢયું નાળીયેર શોભી રહ્યા છે, પગમાં રાઠોડી મોજડી ધારણ કરીને રતન ઘોડીને માથે સવારી કરી પણ ભાઈ! ઘોડીયે કેવી ?

રતન ઘોડી :

ગરૂડનો ઈડા જેવો ને પૂનમના ચાંદા જેવો ઉજળો સફેદ વાન, ઉટ જેવું ગજું, બેય બાજુ દોઢે ચડીને કમાન રચતી ખારે કે જેવડા નાની કનોટી, લાંબી કેશવાળી, થાળી જેવડુંકપાળ, હાથીના પડા જેવી પીઠ, દેડકાં જેવી ચડીયાતી આંખ, ફોરણાંની બહાર નીકળતી માણેકલટ, વરીયાળી ત્રાંસળી જેવા ડાબા, પોલાદી ને નકોર નળીયું. સસલા જેવી ચકોર ને ચપળ એવી ઘોડીના કપાળમાં કોરેલ પીપળાના પાન જેવી કેસરીયા ટીલી શોભી રહી છે.
ચાર લાંબા, ચાર ટુંકા, ચાર પહોળા ને ચાર વાંકા એમ સોળેય બાબ સાચા હતા એવી આ વીર વચ્છરાજની પ્રાણથી યે પ્યારી રતન ઘોડીને માથે પિતળીયા પલાણ, કોનખાલી ધાસિયોને રેશમ હીરની દોરીએ મોતી જડિત ચાંદીનું ચોકડું ચડાવ્યું છે. દોરીને માથે નટવો નરારંભ કરે એમ થનગનતી ઘોડીને ચારે ય પગે બાંધેલા ધુધરા રણઝણ રણઝણના મીઠા મધરા નાદ રણકાવે છે.


જાડેરી જાન :

જાનમાં કાલરી - ચુંવાળ પંથકના સોલંકી ભાયાતો અને વઢિયાર પંથકના રાઠોડ રાજપુત જવાનો પોત પોતાના ઘોડા શણગારીને કુવર ગામને પાદર આવી પહોંચ્યા છે. રાજપુતાણીઓ વેલડાં, માફાવાળી વેલ્યું ને શણગારેલા ગાડામાં "બેસીને લગન ગીતો ગાય છે.
' મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે
આથમણે દેશ, વર તું જાજે રે વેવાયુંને
માંડવે હો રાજ ....
વજેસંગ વેવાઈ સૂતા છો કે જાગ્ય,
વજેસંગ વેવાઈ સૂતા છો કે જાગ્ય, વચ્છરાજ વરરાજે સીમડી ઘેરી માણા રાજ.’
માંડવે સૌને હરખ માતો નથી. વચ્છરાજ જેવો સુંદર ને ભડવીર સોલંકી રાજ આજ કુવર ગામને આંગણે વ૨લાડો થઈને પરણવા આવ્યો છે. માંડવા પક્ષ તરફથી જાનૈયાઓની આગતા-સ્વાગતા થાય છે. ઉતારા દેવાણા, રાજપુતો રંગ
દઈ દઈને મહેમાનોને ભલકારા કરતા કસુંબાની અંજળિયું પાય છે.
' રંગ સીતાજીના સતને
રંગલખમણ જતિને
રંગ હનમાનવીરને
રંગ રામદે પીરને
રંગ કાળિયા ઠાકરને
રંગ ભોળિયા શંકરને
રંગતાતી તેમને
રંગ તુ રંગી વેગને
રંગલોલાડાના રણને
રંગસૂરજદેવ ભાણને.....'
પારોઠ ભેંસના દુધ જેવો, દુબળા ઘરની રાબ જેવો, કાળોતરાના રેલા જેવો, આદિનાથના ચેલા જેવો. માંય જાયફળ, જાવંત્રી, તજ, તાલ, તમાલપત્ર ને કેસર એલચી ઘુંટેલો કસુંબો હાથની અંજળિયાંમાં ભરી ભરીને ચારણ કવિરાજો ભાલકારા કરે છે.
'બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે, કાકો પીવે તો ભતરીજા ને ચડે. એક પીવે તો બીજાને ચડે. ધોડો પીવે તો અસવારને ચડે. કીડી પીવે તો કાગને મારે...'તલનો ત્રીજો ભાગ, રાઈના કણ જેટલું ફોરૂ હેઠુંપડયું હોય તો સાત પાતાળ ફોડીને શંખનાગનું માથું ફાડે એવો કસુંબો રાજપુત જાનૈયાઓ અને માંડવીયા સાજન-માજન અરસ પરસ પીવરાવી રહયા છે. ઘીબાંગ ધ્રુબાંગ ઘીબાંગ વાગતા ઢોલની સાથે શરણાઈને ત્રાંસા-પડધમ મીઠી સુરાવલી લહેરાવે છે.
સાક્ષાત લક્ષ્મી જેવું પવિત્ર સ્વરૂપ ધરાવતાં રાઠોડ કન્યા પૂનાબા પીઠી, ભરેલી કાયાને મેંદી રંગ્યા હાથ સાથે માઢ મેડીના ગોખમાં ચડીને રેશમિયા ચક પડદાની આડશે ઉભા રહીને વરરાજાનું સામૈયું જોવા આતુર છે. સરખે સરખી સૈયરું ટોળુ કરે છે :
' જો જો હો પૂનાબા ! વરલાડાને જોઈને ભાન ભૂલી જાતા ને... ને સાસરે જઈને અમને ભૂલી જાતા નૈ.. વરરાજા તો જાણે ઈન્દ્રનો અવતાર હોય એવા રૂપાળા છે હો ! ..."
તો કોક સહિયર પૂનાબાના રૂપને ચડીયાતું ગણે છે. પૂનાબાનું રૂપે ય છે દેવાંશી પદમણી જેવું સ્વર્ગ લોકની અપ્સરા જાણે મરતલોકમાં ભૂલી પડી હોય એવા અનોધાં રૂપ છે. ચારણ-બારોટ - કવિરાજો એના સ્વરૂપનાં વર્ણન કરતાં ગાય છે :
'આંખડીલાલ ચણોઠડી, હિંગોળ જેવા હાથ, પંડે બનાવ્યું પૂતળું, જે દિ' નવરો દિનાનાથ.
હામ કામ લોચના, હાલે તો કંકુ કેસરના પગલાંપડે,બોલે તો બત્રીસ પાંખડીના ફુલ ઝરે. પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે, કાઠી મૃગલી જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કડયનો લાંક, ઉગતો આંબો, રાધ્ય કોળાંબો, બારવટીયાની બરછી, હોળીની ઝાળ, પૂનમનો ચાંદ, જુની વાડયનો ભડકો ને ભાદરવાનો તડકો જોઈ લ્યો :
સંકેલી નખમાં સમાય, ઉડાડી આભમાંજાય, ઉગમણો વા વાય તો આથમણાં નમે, આથમણા વા વાય તો ઉગમણાં નમે ને ચારે દશ્યના વા વાય તો ભાંગીને ભૂકકો થાય...'
પાશેરનો આહાર, પલની નિંદરા ને પાની ઢંક ચોટલો ઈ પદમણીનાં લક્ષણે ગણા રાઠોડ કન્યા પૂનાદે આવાં પદમણી છે. મંડપમાં વરરાજો તોરણ પધાર્યા છે, સામાસામાં માંડવા પક્ષના અને
જાન પક્ષના નારી વૃદોના ગળામાંથી કોયલના સરવા સાદે લગ્ન મંગળ ગીતો ગવાઈ રહયા છે. વરરાજાના સામું હાથમાં ઝમરખ દીવડો લઈ, મોતી મેઢયા કળશ નાળીયેર સાથે વરરાજાને પોખવા મંડપ નીચે ઉભા છે, સોનલા બાજોઠ ઢાળ્યા છે ને ગોરબાપા મંત્રોચ્ચાર સાથે વ૨ રાજા વત્સરાજ સોલંકીનું સ્વાગત કરી માયરામાં લાવે છે.
'કન્યા પધરાવો સાવધાન....'ના બોલ સંભળાણા, પૂનાબાના મામાએ તેડીને મંડપમાં વરરાજા સામે કન્યાને બેસાડયાં, સખીઓ પાછળ મંગળ ગીતડાંને વધાઈ ગીતો ગાય છે.
હસ્તમેળાપ થયો, માંગલિક મંત્રોની સાથે વર કન્યાની ડોકમાં વરમાળા નંખાઈ અને વેદિમાં અગ્નિ પ્રગટાવ્યો. સૂરજની સાખે, બાહમણના વચને, તુલસીના કયારે, ગોધૂલી વેલા સોલંકીવીર વત્સરાજ અને પૂનાબા લગ્નવેદિમાં ધી-જવ-તલની આહૂતિઓ આપે છે, પછી પહેલું મંગળ વરતાયું. પહેલે મંગળ સોનાના દાન દેવાણાં, બીજું મંગળ વરતાયું. બીજે મંગળ ધરતીના દાન દેવાણાં ને ત્રીજુ મંગળ શરૂ થયું– ગોર મહારાજે મંત્રોચ્ચાર શરૂ કર્યો.
શુભ મૂહુર્ત શુભલગ્ન ક્ષેમ કલ્યાણુ,
આરોમૅનિર્વિઘ્ન શુભં ભવતું.....'
ને ત્રીજે મંગળ ગાયોના દાન દેવાની તૈયારી થઈ સુવર્ણ દાન, ભૂમિદાન, ગૌદાનંઅને પછી કન્યા દાન.....
વાછરડા સોતી ગાય શણગારીને વર કન્યાના હસ્તે બ્રહમ દેવતાને ગૌદાન
કરવાનો સંકલ્પ થઈ રહ્યો છે ને ચોરીના ત્રીજા ફેરાની તૈયારી થાય છે ત્યાંવીર
વત્સરાજની વહાલી રતન ઘોડીએ હાવળ દીધી. વચ્છરાજના મનમાં આ કારમી હાવળના અમંગળ એંધાણ વરતાણા ને થયું કે કાંક અણ હોણી થશે ત્યાં તો પલકવારમાં રાડ પડી.
ધોડો ... ધોડો..... ધોડો .... કુંવર ગામનું ગાયોનું ધણ લુંટારા વાળી જાય છે ....' એણે ટાણું જોયું છે. વઢિયાર પંથકના શૂરવીરો આજ લગનને માંડવે મહાલે છે ને વીર વચ્છરાજનો હથેવાળો થાય છે.
' ગાયોનું ધણ ....' આટલા શબ્દો સાંભળતા તો લગ્નમંડપમાં ચોરીનો ત્રીજો ફેરો ફરવા ઉભેલા વીર વચ્છરાજના બત્રીશય કરોડ રૂવાંડા સમ સમ સમ બેઠા થઈ ગયા.
દણણણણણ અંગે અંગ ઉકરાટી વ્યાપી ગયો. આખું શરીર કંપી ઉઠયું. કંઠે આરોપેલી વરમાળ તોડી, નવવધૂ પૂનાબાનો હાથ તરછોડી મૂછે તાવ દઈ વચ્છરાજે છેલ્લી નજર પોતાની પરણેતર સામે માંડી.
અષાઢ મહિનાની વીજળીનો ચમકારો એની આંખમાંથયો અને ઢોલ શરણાયુના નાદ બંધ પડયા. જાનડીયુંના મંગળ ગીતડા થંભી ગ્યા, શાખ ભરેલા આંબાની સાથે જેમ વીજળી ત્રાટકી હોય એમ સહુના મોઢા ઉપર મશ ઢળી ગઈ ત્યાં પૂનાબાની ઢાળેલી નજ૨ જાણે કહી રહી:
'કંથા રણ મેં જાય કે, ભાગીને મત આય
ભાગ્ય તો મું ભણે બેનડી, તું માળો ભા ભણાય..'
વચ્છરાજે મંડપમાંથી છલાંગ દીધીનેવેણ કાઢયાં' બાપ ! રતન!.. 'ઘોડી ઉપર સવાર થયા. હાથમાં શિહોરી શમશેર ચમકવા માંડી, મ્યાન પડયું રહયું ને વચ્છરાજને શૂરાતન ચડયું. કમાનમાંથી તીર વછુટે એમ ઘોડી વૅતી થઈ, એણે ગાયોનું ધણ વાળી જતા લુંટારાની દશ્ય સાંધી. મનમાંને મનમાં હરખાતા કાળઝાળ લુંટારા ગાયોના ટોળાંને બરછીની અણીએ ભગાવતા જાય છે ત્યાંવીર વચ્છરાજની હાકલ સંભળાણી ...
'મરદ થાજો.... માટીથાજો.... ગવતરિયુંના મારતલ !
એકેયને જીવતો છોડું તો મારી માનું ધાવણ લાજે.....'
એકલે હાથે વચ્છરાજે તલવારની રમઝટ બોલાવી. કૈકના માથાં રણની રેતીમાં રઝળતા મેલ્યા ને પોતાની શૂરવીરતાથી બચેલા લુંટારાને ભગાડયા, ધણ પાછુંવાળ્યું.
માંડવીયા ને જાનૈયા જયાં સાબદા થઈ હથિયાર પડિયાર સજીને ઘોડા ઉપર બેઠા ત્યાંતો વચ્છરાજ ગાયોનું ધણ વાળીને લુંટારાઓને ભગાડીને પાછા વળ્યા. જય જયકાર થવા લાગ્યો, ફરીઢોલ શરણાયુના સૂર રેલાવા મંડયાને જયાં વચ્છરાજ માંહ્યરામાંબેસી ત્રીજા ફેરાની તૈયારી કરે ત્યાં કુવર ગામના વિધવા ચારણિયાણી આઈ દેવલબાનો વિલાપભર્યો સૂર સંભળાણો

'ધણ આવ્યું ધણસેર, ખાંડુ આવ્યું ખાખરે
જેને દૂધડીયે દીવા બળે, ઈમારી વેગડનાવી વાછરા..'

' હે વીર વત્સરાજ ! તે ભાર્યે શૂરવીરતા દાખવી, આખા ગામનુંધણ પાછુંવાળ્યું– ઈ કાળમુખા જમ જેવા લુંટારાને હાથ પડેલી ગવતરિયું પાછી આવી પણ બાપ!જેના દૂધે દીવો થઈ શકે એવી મારી વેગડ ગાય પાછી નથી આવી.
વારી વાછરા ! બાપ ! વેગડના દર્શન પછી જ મારે અન્ન જળ આરોગવાના નીમ છે, મારી વેગડ ગાયને પાછી કોણ વાળશે? '
ક્ષત્રિય રાજપુત બચ્યો – ગૌબ્રાહ્મણ પ્રતિપાળની શાખ ધરાવતો આ શૂરવીર વીર વચ્છરાજ પાછો લગ્ન મંડપમાંથી ચારણિયાણી આઈ દેવલબાની વેગડ ગાયને પાછી વાળવા પવનવેગી રતન ઘોડી ઉપર સવાર થયો. એકલે હાથે કૈક લુંટારાના ઢીમ ઢાળ્યા. તલવારની ધારે જનોઈ વઢ ઘા કરતો વીર વાછરો રણમેદાનમાંદુશ્મનોની સામે બહાદુરી પૂર્વક ધીગાણે ચડયો છે, પાછળ દેવલબાઈ પણ રણની રેતી માથે ધ્વાસભેર દોડયાં આવે છે એની પાછળ નવ વધૂ પૂનાદે અને જાનૈયા-માંડવીયા રાજપુતોનું ધાડું.