સોલંકી વીર વત્સરાજ : જીવનકથા


વીર વત્સરાજ - વાછરા દાદાના જીવન વિશેનો પ્રાચીન ઈતિહાસ 

વીર વચ્છરાજનું પ્રાગટય


પ્રકરણ_૨


હાથીજી સોલંકીને ત્યાં પ્રથમ સંતાન બળરાજ એક વર્ષના થયા અને વિક્રમ સંવત ૧૧૧૭ના ચૈત્ર સુદી સાતમને સોમવારે ઈ.સ. ૧૦૬૧ માં માતા કેસરબા ની કુખે ઈશ્વરી અંશાવતાર ગૌ સેવક વીર વત્સરાજના નામે વાછરાદાદાએ જન્મ ધારણ કર્યો. કાલરી ગામના નાના મોટા સૌન હૈયે હરખ માતો નથી. બાળ વચ્છરાજને જોતાં જ સહુને વનરાવનનો ગોપાળ નટવર નાગર નટખટ કૃષ્ણ કનૈયો યાદ આવે એવુંમોહક વરણાગી રૂપ છે. આરસની પૂતળીને માથે કેસર ચંદનનો લેપ કર્યો હોય એવો સોનેરી માખણના પિંડા જેવો ઘઉં વર્ણો વાન, માથા ઉપર ઘુઘરીયાળા બાલ, કાજળઘેરી ઘનશ્યામ નટખટ આંખો.

     એની કાલી ઘેલી વાણી સાંભળતાંને બાળલીલાઓને નિરખતાં હાથીજી સોલંકી અને માતા કેસરબાનું જીવતર ધન્ય બની ગયું છે. બેય ભાઈની જોડી એટલે જાણે કૃષ્ણ બલભદ્રની જોડી જ જોઈલ્યો. માત-પિતાના ગાયોની સેવા-ચાકરીના સંસ્કાર બેય ભાઈને બાળપણ થી જ પડયા છે.

ચુંવાળ પંથકના કાલરી ગામના આજુબાજુના વિસ્તારના લોકો પણ બાળકમાંથી કિશોરાવસ્થામાં આવેલા વત્સરાજની ગૌ સેવાના વખાણ કરતા ધરાતા નથી. બળરાજને વત્સરાજની ઉમર બાર તેર વરસની થઈ છે, બંને રાજકુમારો ગાયો ચરાવવા નીકળી પડે છે. એવામાં કારમોદુકાળ પડયો. પાણીની તંગી શરૂ થઈ. સીમમાં કયાંયે ગાયોને પીવરાવવા પાણી મળતું નથી, નદીનો પટ સાવ કોરો ધાકોર થઈ ગયો છે, ચૈતર વૈશાખના દનૈયા તપે છે, કાળઝાળ ગરમીમાં પાણી વિના તરસી થયેલી ગાયો ત્રાહય ત્રાહય પોકારતી ભાંભરડા નાંખે છે, એ જોઈને વત્સરાજની આંખમાં ચોધાર આંસુ વહી રહયા છે.

    'અરે રે ! મારી ગવતરિયું તરસે મરે? '

કાલરીથી પાંચ-સાત માઈલના છેટે આવેલ વડાવલી ગામની સીમમાં વચ્છરાજે સૂરજ દાદા સામે મીટ માંડી, ને પછી ત૨ડાયેલી કાળીભઠ થયેલી સૂકી ધરતી ઉપર નજર નાંખી ત્યાંતો ધરતીના પેટાળમાંથી મા ગંગાજીનો સાદ સંભળાણો બાપ વચ્છરાજ ! તારા જમણા પગ હેઠે ભાલાની અણીએથી વીરડો ગાથ. તારી ગવતરિયું તરસી નૈરયે. વેરાનખારાપાટની વચાળ મધરો ખું મીઠું પાણી વેતું થાશે...'

વીર વચ્છરાજને કુદરતની કૃપાનો આ પહેલો પરચો મળ્યો. ભાલાની

અણીએ ગાળેલા વીરડામાંથી વરસો લગી કાળ દુકાળે ય વહેતો થયેલો ગંગા પ્રવાહ હમણાં લગી જીવતો રહેલો. એની શાખ વડાવલી ગામના વયોવૃધ્ધો પૂરી પાડે છે. આજે પણ એ વિસ્તારમાં વાછરડા દાદાનું નામ લઈને એના નામનું શ્રીફળ વધેરીને લોકો કૂવો ગાળે ત્યારે મીઠું પાણી મળી રહે છે.


સોલંકી વીર વત્સરાજ : જીવનકથા


ગવતરીની સેવામાં જીવન સમર્પણ :

થોડા વરસો વિત્યા મોટાભાઈ બળરાજના વિવાહ થયા, વચ્છરાજના માત-પિતાને ઉમર થઈ અને હાથીજી સોલંકી તથા માતા કેસરબાએ થોડા સમયની અંતરે એક પછી એક વિદાય લીધી. યુવાન બનેલા વચ્છરાજ હવે પોતાના જીવતરનો બધો વખત ગાયોની ચાકરીને સેવામાંજ ગાળે છે. કોઈનું દુઃખ જોતાં જ એના દિલમાં કરૂણા જાગે ને રાત દિવસ જોયા વિના જીવ માત્રની સેવા કરવા તૈયાર થઈ જાય. કોઈ નાની વાછરડીને જન્મ આપીને ગાયનું મૃત્યુ થયું હોય તો પોતાની આંગળીઓ દૂધની તાંસળીમાં બોળીને તાજી જન્મેલી વાછરડીના મોઢામાં આપે ને ધીરે ધીરે તાસળીમાંથી દૂધ પીવરાવી વાછડીનો જીવ બચાવી લ્ય.

કાલરીનો રાજવહીવટ મોટાભાઈ બળરાજ સોલંકી ચલાવે છે વત્સરાજને તો બસ એક જ લગની લાગી છે ગાયોની સેવાની એવામાં એક ઘટના બની.

બળરાજ સોલંકીના સાસરા પક્ષના કેટલાક મહેમાનો વત્સરાજના વિવાહનું માંગુ લઈને વત્સરાજને જોવા કાલરી આવ્યા છે. મોટાભાઈએ મહેમાનોની આગતા-સ્વાગતા-સરભરા માટેનું કામ વત્સરાજને સોંપ્યું છે. વત્સરાજ મહેમાનો વચ્ચે બેઠા છે ત્યાં એક ગોવાળ દોડતો દોડતો આવ્યો ને બોલ્યોઃ 'બાપુ!વચ્છરાજ બાપુ !મારી ગાય કાદવીયા વોકળામાં લપસી પડી છે. ઘડી– બે ઘડીમાં તરફડીયા મારીને કાદવિયા ગારાના ધૂનામાં ડૂબી જાશે... બાપુ !એને બચાવો .....'

આટલા વેણ સાંભળતાંતો વચ્છરાજે છલાંગ મારી. મારતી ઘોડીએ કાદવિયા વોકળે પહોંચીને ગાયને બચાવવા દોટ દીધી. ગાયનુંઅર્ધ શરીર ગારામાં ખૂંપી ગયું છે, જેમ જેમ બહાર નીકળવા જોર કરે તેમ તેમ અંદર ગરકાવ થતું જાય છે. ઝાઝા જણ ભેળા કરવાની વેળા નહોતી. પાછળ દોડી આવેલા મોટાભાઈ બળરાજ અને મહેમાનોમાંથી કોઈની હિંમત ચાલતી નથી. સૌ વચ્છરાજને આવું ગાંડુ સાહસ કરવાની ના પાડે છે પણ વચ્છરાજે ભેટ વાળી પોતાની કેડે દોરડું બાંધ્યુંને બીજો છેડો પોતાની જાતવાન રતન ઘોડીની ડોકે બાંધ્યો. હાથમાં બીજે દોરડું પકડી કાદવિયા પૂનામાં વચ્છરાજે કુદકો માર્યો, ડૂબતી જતી ગાયની પાસે જઈ ગાળિયો નાંખ્યો ને ગાયના શરીરે દોરડું બાંધી દીધું. પછી ઘોડીને અવાજ દીધો "બાપ ! રતન!..' ઘોડી સમજી ગઈ. હણેણાટી દઈ જોર કર્યું. ગાયને આધાર મળી ગયો,

જીવ બચાવવા ગામે પણ પોતાની સહી તાકાત ભેળી કરીને કાદવિયા ઘુનામાંથી ગાય બહાર નીકળી ગઈ. વચ્છરાજનો આખો કાદવથી તરબતર થઈ ગયો છે, મહેમાનોને જમાડવાની વેળા વીતી મહેમાનોના રંગમાં ભંગ પડયો સહુના જીવ ઉચા થઈ ગયેલા માંડ શિરામણને ઠેકાણે વાળુ ટાણે ભોજન કરીને મહેમાનોએ વિદાય લીધી પણ પોતાના પિયરના સંબંધી મહેમાનોની સરભરા છોડીને આમ પોતાના પ્રાણની પરવા વિના ગાયને બચાવવા દોડી નીકળેલા સામે જોઈને ભોજાઈના મોઢામાંથી વેણ નીકળી ગયાં.

 "વીરા વચ્છરાજ એક ગાયની પાછળ તમે મહેમાનોને આખો રાખ્યા. ગવતરિયુંની સેવા કરવી હોય ગાયું બચાવવી હોય વઢિયારમાં જાવ .. કાયમ સિંઘના લુંટારા વઢિયાર પંથકના ગામડાની ગાયું વાળી જાય ગવતરિયુંને રણમાં ભૂખી તરસી રઝળાવી એની કતલ કચ્છના નાના રણની કાંધીએ ઘોડાને સાંઢિયા ઉપર બેસીને આવતા લુંટારા ગાયોના વાળી જાય છે. તમારી રાજપુત મરદાઈ

    વચ્છરાજના મનમાં ગાંઠ વળી ગઈ. જીવવું ગાયો માટે મરવું ગાયની ખાતર..' એવામાં જોગાનુજોગ વઢિયાર પંથકના લોલાડા ગામથી વચ્છરાજના મામા સામંતસંગ રાઠોડ મહેમાનગતિએ ભાણેજને કાલરી આવ્યા છે. સામંતસંગને પણ કોઈ સંતાન નથી. લોલાડાની જાગીરનો વહીવટ એવા ભાઈ ભાંડુ નથી. સામંતસંગ કાલરી આવીને પોતાના મોટા ભાણેજ બળરાજ સોલંકી પાસે વચ્છરાજની માંગણી કરી. લોલાડાની જાગીર નાના ભાણેજ વચ્છરાજને આપવાની ઈચ્છા જાહેર કરી.


ક્રમશ